આફ્રિકામાં તબાહી મચાવનાર મંકીપોક્સ વાયરસનો વેરીએન્ટ ક્લેડ-1એ ભારતમાં દસ્તક આપી છે ane આ આ ક્લેડ 1 સ્ટ્રેનનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. આ સ્ટ્રેનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો છે.
આ કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી સામે આવ્યો છે આને મળતી માહિતી મુજબ આ સંક્રમિત દર્દી 38 વર્ષીય પુરુષ છે, જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફર્યો હતો. હાલ દર્દીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ બીમારીના લક્ષણો નજરમાં આવ્યા બાદ તેમને તરત જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ પહેલા તાજેતરમાં જ દિલ્હીમાં પણ એક યુવક મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો. હરિયાણાના હિસારના 26 વર્ષીય યુવકને ટેસ્ટિંગ બાદ મંકીપોક્સ ક્લેડ 2થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ક્લેડ 1 થી સંપૂર્ણપણે અલગ કેસ હતો. આ યુવક પશ્ચિમ આફ્રિકાના દેશમાંથી પરત આવ્યો હતો.
શું છે મંકી પોક્સના લક્ષણો?
આ વાયરસના સંક્રમણ પછી, પ્રારંભિક લક્ષણ તાવ છે. આ પછી, માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. તાવ ઓછો થયા પછી, શરીર પર ફોલ્લીઓ દેખાય છે, જે ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ આવી શકે છે, દુખાવો થઈ શકે છે. સંક્રમણ સામાન્ય રીતે જાતે જ ઠીક થઈ જાય અને 14 થી 21 દિવસની વચ્ચે રહે છે. ગંભીર કિસ્સાઓમાં, ઘા આખા શરીર પર થઈ જાય છે, જે મોં, આંખો અને ગુપ્તાંગો પર થાય છે.
મંકી પોક્સ કેવી રીતે ફેલાય છે?
મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આમાં જાતીય સંભોગ અને ત્વચાથી ત્વચાનો સંપર્ક અને સંક્રમિત વ્યક્તિ સાથે નજીકથી વાત કરવાનો સમાવેશ થાય છે. આ વાયરસ તૂટેલી ત્વચા દ્વારા આંખો, શ્વસનતંત્ર, નાક અથવા મોંમાંથી શરીરમાં પ્રવેશી શકે છે. મંકી પોક્સ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે પથારી, કપડાં અને ટુવાલને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા વાયરસથી સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી પણ આવું થઈ શકે છે. વર્ષ 2022 માં, મંકી પોક્સ વાયરસ જાતીય સંપર્ક દ્વારા વધુ ફેલાયો હતો. આ વખતે ડીઆર કોંગોમાં મંકી પોક્સ વાયરસનો ફેલાવો મોટે ભાગે જાતીય સંપર્કને કારણે છે, પરંતુ તે અન્ય સમુદાયોમાં પણ જોવા મળ્યો છે.
મંકી પોક્સથી તમારી જાતને કેવી રીતે બચાવવી
આ બીમારીથી બચવા માટે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. મંકી પોક્સથી સંક્રમિત કોઈપણ વ્યક્તિની નજીક ન જવાનું કહેવામાં આવ્યું અને જો નજીકમાં વાયરસ ફેલાતો હોય તો સાબુથી હાથ ધોવાનું રાખો. જ્યાં સુધી ગાંઠો ઠીક ન થાય ત્યાં સુધી સંક્રમિત વ્યક્તિને આઇસોલેટ કરી દેવી જોઈએ. WHO કહે છે કે રિકવરી પછી 12 અઠવાડિયા સુધી સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી સારો ઉપાય છે રસીકરણ કરાવવું. આ બીમારી માટે એક વેક્સિન છે.