આવતીકાલથી ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ જશે, આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાની ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, તો વળી ભાજપ 10મી ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રાની તૈયારીઓ કરી રહ્યું છે. બન્ને પક્ષો લોકોની વચ્ચે જવા માટે યાત્રાઓ કાઢી રહ્યાં છે. વિપક્ષ દ્વારા ગુજરાતની દૂર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે મોરબીના દરબાર ગઢથી શરૂ થશે, જે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે.
મોરબી બ્રિજ દૂર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢવા જઈ રહી છે. આ યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહી શકે છે. મોટી વાત એ છે કે, પાર્ટીએ યાત્રાનો ચહેરો પીડિત પરિવારને જ રાખ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.
મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં શરૂઆતથી અંત સુધી જોડાનારાને ન્યાયયાત્રી, પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લાયાત્રી તથા અતિથિયાત્રી પણ હશે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.