રેલવે ટૂંક સમયમાં તેના મુસાફરોને નવી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળી પહેલા ગુજરાતમાં બીજી વંદે ભારત ટ્રેન શરુ થઈ શકે છે. આ સાથે રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેન થશે. જેમાં સુરતથી ચાલનારી આ પહેલી ટ્રેન હશે. રાજકોટ અને ઉધના રૂટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે.
પશ્ચિમ રેલવે મુખ્યમથકના નિર્ણય બાદ નવી વંદે ભારત ટ્રેન શરુ કરાશે
કોચિંગ ડેપોના વરિષ્ઠ CDO રાજકોટ-ઉધના વંદે ભારત ટ્રેનની શરૂઆતની તૈયારી કરી રહ્યાં છે. આ અંગેનો પ્રાથમિક તપાસનો રિપોર્ટ તૈયાર કરીને પશ્ચિમ રેલવે મુખ્યમથકને મોકલવામાં આવશે અને જો બધુ વ્યવસ્થિત જણાશે તો રાજ્યમાં અમુક મહિનામાં જ નવી વંદે ભારત ટ્રેન શરુ થવાની શક્યતા છે. રેલવે બોર્ડ દ્વારા સૌપ્રથમ સુરત અને રાજકોટ વચ્ચે ટ્રેન દોડાવાની યોજના બનાવી હતી. પરંતુ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના નિર્માણની કામગીરી ચાલતી હોવાથી સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું હતું. તેવામાં હવે રેલવે દ્વારા રાજકોટ અને ઉધના વચ્ચે ટ્રેન શરુ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે.