રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્ધારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ, ભૂજ, નખત્રાણામાં એક એક ઈંચ, વલસાડના વાપીમાં પોણો ઈંચ, વલસાડના કપરાડામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણો ઈંચ, મોરબીના ટંકારામાં અડધો ઈંચ, ડાંગના વઘઈમાં અડધો ઈંચ, જૂનાગઢ શહેર,તાલુકામાં અડધો ઈંચ, ધ્રોલ, કાલાવડમાં અડધો ઈંચ, માલપુર, પડધરી, વાંકાનેરમાં સામાન્ય વરસ્યો હતો.
તે સિવાય રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 23.40 ટકા વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા , કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.87 ટકા વરસાદ, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ, મ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ વરસ્યો હતો.
સાત જિલ્લામાં વરસાદની કરાઇ આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો સુરત, નવસારી અને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ મુસિબત બનીને ભારે વરસાદ વરસી શકે છે. બિહાર, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. તો યુપી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મધ્યમ વરસાદનું એલર્ટ અપાયું છે.માયાનગરી મુંબઈમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે. નવી મુંબઈ, ઠાણે, પાલઘર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ નજીકના થાણે અને નવી મુંબઈમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.