ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે, મેઘો મહેરબાન થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે અને તાલુકાની તમામ શાળામાં હાલ પૂરતી રજાઓ જાહેર કરવામાં આવી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી વલસાડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તંત્ર એક્શનમાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકામાં તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. ડીડીઓએ હાલમાં એક લેટર જાહેર કરીને આ રજાઓ અંગે માહિતી આપી છે. ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ - શાળામાં જતા બાળકોને હાલાકી ના પડે તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડના DDOએ ટ્વીટ કરીને શાળામાં રજા અંગે જાહેર કરી છે. ડીડીઓના અપડેટ પ્રમાણે, તાલુકામાં શાળા, કૉલેજ, ITI અને આંગણવાડીમાં આજે રજા રહેશે. ઉલ્લેખનીય છે કે, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં ભારે વરસાદની સ્થિતિ છે અને આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના 134 તાલુકામાં વરસાદ
રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા. સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર JCBની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.