તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીપલવાડા ગામના નાગઝર ફળીયામાં તાજેતરમાં પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પુરું પાડતા સૌ ખેડૂત મિત્રોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે સૌ પ્રથમ પહેલ કરવી જરુરી છે, જ્યાં સુધી કોઇ પહેલ નહીં કરે ત્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતીને સમજી નહીં શકીએ.
પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં કેમ જરૂરિયાત છે અને તેને સમયસર નહીં અપનાવવામાં આવે તો ખેતીમાં શુ નુકસાન થઇ શકે છે તેના વિશે ઉંડાણપૂર્વક માહિતી પુરી પાડી હતી. વધુમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખનો ઉપયોગ વિશે ખુબ ઊંડાણ પૂર્વક માહિતી આપી આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તેનો ખેતીમાં ઉપયોગ કઇ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ફાર્મર માસ્ટર ટ્રેનર જયંતીભાઇ કોંકણી, ટેકનીકલ માસ્ટર ટ્રેનર રાકેશ પટેલ દ્વારા પણ ખેડૂતભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિ અંગે લાઇવ ડેમો સાથે પાયાની વિગતો સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં 70 જેટલા ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.