સુરત જિલ્લાનો પલસાણા તાલુકો વરસાદમાં પ્રભાવિત થયો છે. છેલ્લા બે દિવસમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાની શક્યતાઓ છે. બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પૂર આવ્યું છે. ખાડી પારના 40 ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં.
છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. ત્યારે બારડોલી અને મહુવા બાદ હવે પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે. બલેશ્વર ગામેથી પસાર થતી અને હાઇ-વેને જોડતી બત્રીસ ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડી તેમજ ગામ ફરતે જળ બંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. બલેશ્વર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ખાડી નજીક આવેલા 40 જેટલા ઘરના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જો કે, હજુ સુધી વહીવટી તંત્ર પણ મદદરૂપે પહોંચ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.
હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ નવ જેટલા ગામોમા આવેલા નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે. હાલ બલેશ્વર બત્રીસ ગંગા ખાડી પાણી ફરી વળતા રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10થી 15 કિમીનો ફેરાવો કરવાની નોબત આવી છે.