નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ જામ્યો છે સાથે જ ભારે પવન ફૂંકાતા કાચા મકાનો પણ પ્રભાવિત થયા છે. નવસારી જિલ્લાના આરક સિસોદ્રા ગામે રાત્રે ઘરમાં સુતેલા પરિવારના સભ્યો પર ઘરની દિવાલ પડતાં ત્રણ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે ગ્રામ્ય પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રામ રાખે તેને કોણ ચાખે તેવી કહેવત નવસારીના આરક સીસોદ્રા ગામમાં સાચી થતી જોવા મળી છે. ગોરટ ફળિયામાં રહેતા આશિકભાઇ બાબુભાઇ હળપતી ખેતીમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે 29 મી જૂનના રાત્રે 9:45 વાગે પુત્ર તરલ આશિકભાઇ હળપતી દીકરી દેવાંશી અને પત્ની વર્ષાબેન આશિકભઇ હળપતી ઘરમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે સંભવત ભારે પવનને કારણે ઘરની દીવાલ એકાએક તૂટી પડી હતી જેમાં તમામ દબાયા હતા. જોકે કોઈની પણ જાનહાનિ થઈ નથી ચાર સભ્યો પૈકી 3 ને વધારે ઈજા થતાં સૌપ્રથમ વેસ્માની અમ્રુતલાલ હોસ્પિટલ ખાતે લઇ ગયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે પુત્ર તરાલને વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે.પતિ પત્નીને નવસારી સિવિલ માંથી રજા આપવામાં આવી છે.નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ મહિપતસિંહ કરી રહ્યા છે.