કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડ, કાટમાળ નીચે દબાયા 100થી વધારે લોકો, 45થી વધુના મોત

0
  • મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું
  • 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે
  • અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે, મૃતકોમાં કેટલાક બાળકો પણ સામેલ
  • બચાવ કામગીરી માટે સેનાની સાથે સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે
કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડની ઘટના બની છે. જેમાં 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જ અનુસાર, અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકો પણ સામેલ છે. બચાવ કામગીરી માટે સેનાની સાથે સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે.

મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. માહિતી અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી આગળ વધવાની સાથે મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. બચાવ કાર્ય માટે એઝિમાલાથી નેવીની એક ટીમ પહોંચશે. મુખ્યમંત્રીના આદેશ અનુસાર, નેવી પાસેથી મદદ માંગવામાં આવી છે. એઝિમાલા નેવી એકેડમીની નેવીની ટીમ તરત વાયનાદ માટે રવાના થઈ રહી છે.

16 લોકો હોસ્પિટલમાં દાખલ
કેરળના મુખ્ય સચિવ વી વેણુએ જણાવ્યું કે લગભગ 2-3 વાર ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

PMએ વળતરની જાહેરાત કરી
PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

સેનાની ટુકડી તૈનાત
દુર્ઘટનાની તીવ્રતાને જોતા, સેના તરફથી બચાવ કામગીરીની વિનંતી કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર ટુકડીઓને એકત્ર કરવામાં આવી હતી. તેમાં 122 ઇન્ફન્ટ્રી બટાલિયન (ટેરિટોરિયલ આર્મી)ની બે ટુકડીઓ અને કન્નુરમાં ડીએસસી સેન્ટરની બે ટુકડીઓનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી માટે અત્યાર સુધી તૈનાત સૈનિકોની કુલ સંખ્યા લગભગ 225 છે, જેમાં તબીબી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH તમિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના થયા.

બચાવ કાર્યમાં લાગ્યા છે 250 બચાવકર્મીઓ
વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. એનડીઆરએફની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

કેરળના પાંચ જિલ્લામાં એલર્ટ
રાજ્ય સરકારે 5 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલ્લપુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top