રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યથી 8 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે સુરતના ઉપરપાડામાં પોણા 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદમાં માત્ર બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓ
રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ હેઠળના જિલ્લાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતના ઉમરપાડામાં પોણા 14 ઈંચ વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં પોણા 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વર અને નાંદોદમાં પાંચ ઈંચ, તિલકવાડામાં સવા ચાર ઈંચ, સાબરકાઠાના વિજયનગરમાં પાંચ ઈંચ, પંચમહાલના ગોઘરામાં પોણા ત્રણ ઈંચ, વડોદરાના સિનોર, પાટણના રાધનપુર, આણંદ, અરવલ્લીના ભિલોડા, સાબરકાંઠાના હિમતનગર, આણંદના તારાપુર, સુરેન્દ્રનગરના લખતરમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.