દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘાએ ફરી કરી છે જમાવટ. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારો વરસાદને કારણે પાણી પાણી થઇ ગયા. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા.
વલસાડ પંથક પર પણ ફરી મેઘરાજાએ વહાલ વરસાવ્યું. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી પંથક પર પણ મેઘરાજાની કૃપા યથાવત રહી છે. અમરેલીમાં અવિરત વરસાદને કારણે ચેકડેમ અને તળાવો છલકાયા છે. તો બનાસકાંઠાના દાંતામાં પણ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.
હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે અંતર્ગત નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. તો ડાંગ, તાપી, વલસાડને પણ મેઘરાજા ધમરોળી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જામનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે.