તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજે નિવાસી કલેક્ટર આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંટ્રોલરૂમ વિશે સમજ આપતા નિવાસી અધિક કલેક્ટર આર.આર બોરડએ જણાવ્યું હતું કે ઈમરજન્સી ઘટનાઓ અને આફતોના વ્યવસ્થાપનને લગતી બાબતો અંગે કાર્યરત મુખ્ય કેન્દ્ર કે જ્યાં ઈમરજન્સી ઘટનાઓ અને આફતોને આનુષાંગિક બધી પ્રવૃત્તિઓનું સંકલન, તમામ લાઈન ડિપર્ટમેન્ટ અને ઈમરજન્સી વિભાગો સાથે સંકલનનું મુખ્ય કેન્દ્ર ચોમાસા દરમિયાન બનતા અકસ્માતો અને ઘટનાઓ સામે ત્વરિત રિસ્પોન્સ કેવી રીતે આપી શકાય તેના ભાગરૂપે મામલતદાર ડિઝાસ્ટર મયુરભાઈ પ્રજાપતિ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કંટ્રોલરૂમમાં ફરજ નિભાવતા તમામ કર્મચારીઓને અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. જેમાં તાલીમ દરમિયાન ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે.કે.ગામિત દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી.
ઈમરજન્સી દરમિયાન હવામાન ખાતાની આગાહી મળે કે તાત્કાલિક જે તે સબંધિત વિભાગો તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમને જાણ કરવી તથા નુકશાનથી સંભવિત અસર પામી શકે તેવા વિસ્તારો કે સમુદાયોને પરિસ્થિતિથિ માહિતગાર કરવા અને ઈમરજન્સી સમયે કાર્યરત ટીમો સાથે સંકલનમાં રહેવા અનુરોધ કરાયો હતો. તાપી જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર 02626-223332 તથા ટોલ ફ્રી નંબર 1077 ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. આ તાલીમમાં અને જિલ્લાના વિવિધ કચેરીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.