ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની ત્રીજી મેચ આજે હરારેમાં રમાઈ હતી, જેમાં ભારતનો 23 રને વિજય થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી20 મેચોમાંથી બે મેચ જીતી લેતા શ્રેણી વિજયની તકો ઉજળી બનાવી છે.
ગીલ-ગાયકવાડની દમદાર બેટિંગ
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન ખડકી દીધા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 159 રન બનાવી શકી હતી. આજની મેચમાં ભારતીય સુકાની શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડની દમદાર બેટિંગ જોવા મળી હતી, તો બોલિંગમાં વોશિંગ્ટન સુંદર અને અવેશ ખાને ઝિમ્બાબ્વેની ટીમને ઘૂંટણીએ લાવી દીધું હતું. જ્યારે ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર ખેલાડી ડીયોન માયર્સ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી.
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 27 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 36 રન, શુભમન ગિલે 49 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 66 રન, અભિષેક શર્માએ 9 બોલમાં એક ફોર સાથે 10 રન, ઋતુરાજ ગાકવાડે 28 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ સાથે 49 રન, સંજુ સેમસને અણનમ 12 રન અને રિંકુ સિંહે અણનમ એક રન નોંધાવ્યો હતો. બોલિંગની વાત કરીએ તો સૌથી વધુ વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ, અવેશ ખાને બે વિકેટ અને ખલીલ અહેમદે એક વિકેટ ઝડપી હતી.
ડીયોન માયર્સની ફિફ્ટી
ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર ખેલાડી ડીયોન માયર્સ 49 બોલમાં સાત ફોર અને એક સિક્સ સાથે 66 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ક્લાઇવ મદંડે 37 રન, વેલિંગ્ટન મસાકાદઝાએ 18 રન, સુકાની સિકંદર રઝાએ 15 રન, તદીવાનશે મારુમણીએ 13 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીએ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો મુઝરાબાની અને સિકંદર રાજાએ બે-બે વિકેટ ખેરવી હતી.