દક્ષિણ ગુજરાત માટે મહત્વના ગણાતાં તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં ધીમી ધારે પાણીની આવક શરૂ થતાં ખેડૂતો સહિત ના તમામ લોકોના ચેહરા પર હાશકારોની લાગણી જોવા મળી છે. આ વર્ષે જૂન માસમાં મેઘરાજાનું મોડું મોડું આગમન થયું છે
જો કે છેલ્લા બે ત્રણ દિવસથી તાપી જિલ્લાના નિઝર ઉચ્છલ પંથકમાં પણ સારો વરસાદ થતાં તાપી નદીમાં વરસાદી નીર વહેતાં જોવા મળી રહ્યાં છે.ઉકાઈ ડેમમાં ખાસ કરી ને નિઝર,કુકરમુંડા,ઉચ્છલ અને સાગબારા તાલુકાના વરસાદના પાણી સીધા ઠલવાતાં હોય છે જ્યારે જલગાવ નજીકનો હતનુર ડેમ તથા પ્રકાશા બેરેજ માંથી પાણી ડેમમાં આવતું હોય છે.આ વર્ષે ઉકાઈ ડેમની નિમ્ન સપાટી 305.39 ફૂટ ગત 27 મી જૂનના દિવસે નોંધાઇ હતી અને2369 એમસીએમ પાણી ઉપલબ્ધ હતું.જો કે એ પછી બપોરે ડેમમાં 800 ક્યુસેક પાણીની ધીમી ધારે આવક શરૂ થઈ હતી અને સપાટીમાં ફરી વધારો થવાની શરૂઆત થઇ હતી.ગત વર્ષે 27 મી જુનના દિવસે ડેમની સપાટી 308.21 ફુટ હતી.એ પછી 28 મી જૂને સવારે અને 29 મી જૂન ના સવારે ડેમમાં 6293 ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો હતો જ્યારે કેનાલ વાટે 800 ક્યુસેક પાણી સતત છોડવામાં આવતું હતું. શનિવારના દિવસ દરમિયાન ઓછાં વધતાં પ્રમાણમાં પાણીની આવક યથાવત્ રહી હતી.સવારે આઠ કલાકે,બાર કલાકે,ત્રણ કલાકે અને સાંજે છ કલાકે ઉકાઈ ડેમમાં 6392 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી જ્યારે દિવસ દરમિયાન બાકીના સમયમાં 800 ક્યુસેક પાણી આવ્યું હતું.સાંજે છ કલાકે ડેમમાં 6392 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી જ્યારે ડેમની સપાટી 305.56 ફૂટ અને કુલ 2380 એમસીએમ પાણી એટલે કે 32.11 % પાણી નો સંગ્રહ થયો હતો.આ સીઝનમાં હમણાં સુધી ત્રણ દિવસમાં કુલ મળી ને એકાદ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે 11 એમસીએમ જેટલો પાણીનો સંગ્રહ વધ્યો છે.