વાલોડ તાલુકાના કુંભિયા ખાતે ઘર ગથ્થુ પોલ્ટ્રીફાર્મનો વ્યવસાય કરતા પિયુષભાઈ બચુભાઈ ચૌધરી પોતાના ઘરના વાડામાં જ પોલ્ટ્રીફાર્મ બનાવેલ છે, તા. 23મીને રાત્રિના 2.00 કલાકના સમયે પોલ્ટ્રીફાર્મની ફરતે લગાવેલ જાળી તોડી પોલ્ટ્રીફાર્મમાં પ્રવેશ કર્યો હતો. પોલ્ટ્રીફાર્મની અંદર દેશી મરઘાનો ઉછેર કરવામાં આવતો હતો. આ મરઘાઓના એક પછી એક એમ 160થી વધુ મરઘાઓનો શિકાર કરતા પોલટ્રી ફાર્મના માલિક ઉપર આભ તૂટી પડ્યુ હતુ.
દીપડાએ પોલ્ટ્રીફાર્મમાં પ્રવેશ કરી મરઘાનો શિકાર કરતા પિયુશભાઈના ઘરનાઓને જાણ થતાં ઘરમાંથી પોલ્ટ્રી ફાર્મમાં જાય તે પહેલાં દીપડો શિકાર કરી 160થી વધુ મરઘા મારી નાખી ભાગી છૂટયો હતો, સવારે બનાવ અંગે પિયુષભાઈએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા સ્થળ પર આવી દીપડાના પંજાના નિશાનના આધારે દીપડાએ પોલ્ટ્રીફાર્મમાં પ્રવેશ કરી હુમલો કર્યા હોવાના પુરાવા મળ્યા હતા. મરઘાઓને મારી નાખતા પોલ્ટ્રીફાર્મના માલિકને જે નુકસાન થયું છે તે અંગેના કાગળો તૈયાર કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં દીપડાઓ અવર નવર માનવ વસવાટમાં આવી પશુ પક્ષીઓ પર હુમલાઓ કરી પોતાનો શિકાર કરે છે, પોલ્ટ્રીફાર્મની નજીક ગત રાત્રિના સમયે પણ દીપડાએ આંટા ફેરા માર્યા હતા અને કુંભિયા વિસ્તારમાં દીપડો બેખોફ બની ફરી રહ્યો છે, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરુ મૂકવાની જરૂરિયાત હોવા છતાં પાંજરું મૂકવામાં ન આવતા નવાઈ પામવા જેવું છે. 160 થી વધુ મરઘાઓનો શિકાર દીપડાએ કર્યો હોવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે આજે બે દિવસ થવા છતાં મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું નથી.