ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં આજે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યાં હતાં. જેમાં ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી. ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાની 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે દ.આફ્રિકા સામે ટકરાશે.
ભારતની ધમાકેદાર બોલિંગ
ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં રોહિત-સૂર્યાએ દમદાર બેટિંગનું પ્રદર્શન દર્શાવ્યુ હતું ત્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ અક્ષર અને કુલદીપે રીતસર ઈંગ્લેન્ડના બેટરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. ભારત તરફથી કુલદીપ-અક્ષરે 3-3 વિકેટ લીધી હતી અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બેટિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ દેખાડ્યો દમ
આજની મેચમાં રોહિત શર્મા (57) અને સૂર્યકુમાર યાદવ(47)ની દમદાર બેટિંગ જોવા મળી હતી. જો કે વિરાટ કોહલી (9), ઋષભ પંત (4) અને શિવમ દુબે (0) સસ્તામાં આઉટ થયા હતા. પરંતુ મિડલ ઓર્ડરમાં આવેલા હાર્દિક પંડ્યાએ તાબડતોબ 13 બોલમાં 23 રન, રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 17 રન અને અક્ષર પટેલે 6 બોલમાં 10 રન નોંધાવ્યા હતા. આજની ખરાખરીની મેચમાં જીતેલી ટીમ ફાઈનલમાં પહોંચશે. આ પહેલા ઈંગ્લેન્ડના સુકાની જોશ બટલરે ટોસ જીત્યો છે અને તેણે ભારતના સુકાની રોહિત શર્માને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું