દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેને સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં 56 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. તેના પર ચૉકર્સનું ટેગ હતું, જે હવેથી હટી ગયુ છે.
સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ ઘાતક પ્રદર્શન કર્યું હતું. ત્રિનિદાદમાં રમાયેલી મેચમાં આફ્રિકાના બોલરોએ અફઘાનિસ્તાનને 56 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધું હતું. અફઘાનિસ્તાન તરફથી માત્ર એક બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. અઝમતુલ્લાહ 10 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ગુરબાઝ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ઈબ્રાહીમ ઝદરાન 2 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી.
દક્ષિણ આફ્રિકાના બૉલરોએ વર્તાવ્યો કેર -
દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સને 3 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શમ્સીએ 1.5 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રબાડાએ 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નોરખીયાએ 3 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાને માર્કો જોન્સને પ્રથમ વિકેટ ઝડપી હતી. તેણે અફઘાન ઓપનર ગુરબાઝને શૂન્ય પર આઉટ કર્યો હતો.
અફઘાનિસ્તાનને હરાવીને પણ જીત્યુ દિલ -
આ ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જો કે સેમિફાઈનલમાં ટીમ કંઈ ખાસ કરી શકી ના હતી, પરંતુ તેના બોલરોએ હજુ પણ તાકાત બતાવી હતી. દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં જીતવા માટે 8.5 ઓવરનો પ્રવાસ કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન માટે નવીન ઉલ હકે 3 ઓવરમાં 15 રન આપ્યા હતા. ફઝલહક ફારૂકીએ 2 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી હતી.