સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડાદરા મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં અરિહંત એકેડેમી નામની શાળા આવેલી છે. આ શાળામાં અંગ્રેજી અને હિન્દી માધ્યમની નર્સરીથી લઈને ધોરણ 12 સુધીનાં વર્ગો ચાલી રહ્યાં છે. જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે શાળાના મુખ્ય ટ્રસ્ટીમાં શિક્ષણ સમિતિમાં સરકાર નિયુક્ત સભ્ય અનુરાગ કોઠારી છે. આ શાળામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાય હતી. જેને લઈને આજે (25મી જૂન) મહાનગર પાલિકાએ શાળાના ગેરકાયદે બાંધકામને સીલ મારી દેવાયું છે. હવે આ મામલે શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીને સભ્ય પદેથી તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવા વિપક્ષે માગ કરી છે.
શિક્ષણ સમિતિના ભાજપના સભ્યની ખાનગી શાળામાં ગેરકાયદે બાંધકામ કરવામા આવ્યું છે. બે વખત ડિમોલીશન કર્યા બાદ બાંધકામ ન કરવાની ખાતરી આપ્યા છતા ફરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કરી હતી. રાજકોટ દુર્ઘટના બાદ સુરત પાલિકાના અધિકારીઓ કોઈ જોખમ લેવા માંગતા ન હોવાથી આજે પાલિકાએ શાળાના ગેરકાયદે બાંધકામને સીલ કરી દીધું છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ માંગ કરી છે કે 'નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્ય અનુરાગ કોઠારીની રાજકીય શક્તિનો દુરુપયોગ થકી સીધી સંડોવણી પ્રસ્થાપિત થાય છે. જેનાથી સામાન્ય પ્રજામાં તેમજ સમિતિના લાખોની સંખ્યામાં અભ્યાસ કરતા ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સરકારની છબી ખરડાઈ રહી છે. પોતાના પદનો દુરુપયોગ કરનાર અનુરાગ કોઠારીને તાત્કાલિક અસરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદેથી દુર કરવામાં આવે.'