- રાજપીપળાથી કેવડીયા જતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ પર આગ લાગતા અફરા તફરી
- આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળતાં આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા
- પેટ્રોલ થોડુક જ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાથી કેવડીયા જતા માર્ગ ઉપર આવતા જુનવદ ગામ પાસે આવેલા શ્રદ્ધા સબૂરી હોટલના પેટ્રોલ પંપમાં આગ લાગતાં ત્યાં હાજર લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. ત્યારે આ આગમાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, શ્રદ્ધા સબૂરી હોટલ બાજુના આ પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પાઇપ બદલવાની કામગીરી ચાલુ હતી. ત્યારે ટાંકામાં રહેલા થોડાક પેટ્રોલના કારણે આગ લાગી હતી. આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં ત્યાં અફરા તફરી મચી જવા પામી હતી. ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળતાં આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. રાજપીપળા પાલિકા ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
જોકે આ આગની ઘટનામાં બે કર્મચારીઓ દાઝી જતાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જો ટાંકામાં વધુ પેટ્રોલ હોત તો મોટી દુર્ઘટના બની હોત પરંતુ પેટ્રોલ થોડુક જ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે. આ આગમાં દાઝી ગયેલા કંપનીના બે કર્મચારીઓમાં નરેન્દ્રભાઇ રામુપ્રસાદ 12 ટકા જેવું દાઝી ગયા છે. જ્યારે અજયભાઈ હરીનંદન નામના કર્મચારી 45 ટકા દાઝી ગયા છે અને ફેક્ચર થયું છે. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.