સોનગઢ તાલુકાની નાની ખેરવણ, સીંગપુર અને વાડી ભેસરોટ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, સીંગપુર અને બોરીસાવાર ખાતે બે નવી આંગણવાડી પણ બનાવવામાં આવશે એમ જણાવી તેમણે છેલ્લા વીસ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ફળશ્રુતિરૂપે આજે કન્યાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી તમામ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોવાનું કહી તેમણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે ડ્રોપ આઉટ રેટમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોને શીખ આપતા તેમણે કહ્યું હતું કે, બાળકોના શિક્ષણ પ્રત્યે શિક્ષકો જેટલી જ વાલીઓએ પણ તકેદારી રાખવી પડશે તો જ સમાજ વિકાસના પંથે અગ્રેસર થશે એમ કહી તેમણે શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જે બાળકમાં રહેલી પ્રતિભાને નિખારી શકે છે એમ જણાવ્યું હતું. સીંગપુરના માજી સરપંચ વિક્રમભાઇ ગામીતે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને તેના થકી શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અંગે વિગતે સમજ આપી વાલીઓ પોતાનું બાળક પુરતું શિક્ષણ મેળવે એ અંગે વિશેષ કાળજી રાખે એવી અપેક્ષા વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ બાળકોને શૈક્ષણિક કીટ આપી બાલવાટિકા, ધો. ૧ અને ધો. ૯માં પ્રવેશ કરાવ્યો હતો.
શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ ગામના વયોવૃદ્ધ નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉપરાંત શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના બાળકોએ વિવિધ વિષયો પર તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મંત્રી કુંવરજીભાઇ હળપતિએ વિધવા બહેનોને સાડી વિતરણ કરી સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ગાવિત, અગ્રણી વિજયભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન વસનજીભાઇ ગામીત, નાની ખેરવાણના સરપંચ સુનિલભાઇ, સીંગપુરના સરપંચ સંગીતાબેન, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના પૂર્વ ચેરમેન વિજયભાઇ, વ્યારા સુગરના ડિરેકટર અશોકભાઇ, શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.