- લોકસભાની ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કરાયા બાદ રસ્તાનું નવીનીકરણ કરવાની તંત્રએ દરકાર ન લીધી
- સાવ સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર ખાડા-ખાબોચિયા ભરાયા, કપચી ઉખડી જતાં વાહનચાલકો તોબા પોકારી ઊઠયા
તાપી જિલ્લામાં હજુ તો માંડ ચોમાસાનો હળવા વરસાદ સાથે પ્રારંભ થયો હોય ત્યાં તો ડોલવણ તાલુકાના કાકડવા ગામમાં રસ્તાની બદ્દતર હાલતને લીધે વાહનચાલકો તોબા પોકારી ઊઠયા છે, રસ્તાનું ખાતમુહૂર્ત ચૂંટણી પહેલા થયા બાદ જેનું નવીનીકરણ થયું જ નથી. ડોલવણ તાલુકાના કાકડવા ગામમાં ગામઠાણ થઇ કોસમકુવા ગામને જોડતો રસ્તો આશરે ૧.૫ કિ.મી.નો વાહનચાલકો માટે આશીર્વાદરૂપ છે. સને ૨૦૧૨માં રસ્તાની કામગીરી થઇ હતી, ત્યારબાદ બિસ્માર બનેલા રસ્તાનું હજુ સુધી નવીનીકરણ થયું નથી.
રસ્તા ઉપર ઠેર-ઠેર મોટા-મોટા ખાબોચિયા પડી ચૂક્યા છે. રસ્તા ઉપરથી કપચી ઉખેડી જતા વાહનચાલકો સ્લીપ થઈ રહ્યા છે. હાલમાં ચોમાસાનો હજુ તો માંડમાંડ પ્રારંભ થયો હોય ત્યાં રસ્તા ઉપર ઠેર-ઠેર ખાબોચિયા ભરાઈ ચૂક્યા છે. વાહનચાલકોએ જોખમી હાલતમાં વાહનો હંકારવાની નોબત આવી છે, કોઈ ઈમરજન્સી સર્જાઈ તો પણ ઊબડખાબડ રસ્તો સમયસર હોસ્પિટલ પહોંચવામાં અવરોધરૂપ બને તેમ છે. લોકસભાની ચૂંણી પહેલા રસ્તો બનાવવા માટે ખામુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કામગીરી ન થતા રસ્તો બિસ્માર જ રહ્યો છે. ત્યારે રસ્તા ઉપરના ખાડાઓ પૂરવા સહિતની કામગીરી હંગામી ધોરણે થાય તો પણ ચોમાસા દરમિયાન ગ્રામજનોને રાહત થવાની સંભાવના છે.