સુરત નર્મદ યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓના કરારમાં 11 મહિનાની જગ્યાએ 2 મહિનાનો કરાતાં આશરે 400 જેટલાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલા 2 મહિનાના કરારના નિર્ણયને લઇને કર્મચારીઓમાં રોષ ફેલાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કર્મચારીઓ 11 મહિનાનો કરાર કરવા અંગેની રજૂઆત સાથે માંગણી હતી. મળતી માહિતી પ્રમાણે, જો કર્મચારી દ્વારા વિરોધ કરાશે તો તેમને નોકરી માંથી કાઢી મુકવાની વાત પ્રસરી હતી.
બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો નિર્ણય
20મી જૂન 2024ના રોજ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 2 મહિનાના કરાર માટે કર્મચારીઓને લેટર આપવામાં આવતા બધા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. જેમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓને હટાવીને પોતાના માનિતા કરાર આધારિત કર્મચારીઓને રાખવા માટે નિર્ણય કરાયો હોવાની ચર્ચા કર્મચારીઓમાં થઈ રહી હતી.
વિરોધ કરશે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ભય
મળતી માહિતી પ્રમાણે, કેટલાંક કર્મચારીઓ વર્ષોથી યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યાં છે. ચૂંટણી પહેલા તેઓને જણાવેલું કે હાલ આચારસંહિતા હોવાથી બે મહિનાનો કરાર કરીએ છીએ. જ્યારે હવે 11 મહિનાના કરાર કરવાને બદલે 2 મહિનાનો કરાર કરતાં વિરોધ વધ્યો હતો. આમ જો કર્મચારીઓ આ અંગે વિરોધ કરશે તો તેઓને નોકરી માંથી કાઢી મુકવાનો ભય પણ બતાવવામાં આવ્યો હોવાનું કર્મચારીઓ જાણાવી રહ્યા હતા. અન્ય કેટલાંક કર્મચારીઓ પ્રમાણે, તેઓને 11 મહિનાના કરાર કરી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.