રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદથી આખો દેશ રામમય થઈ ગયો છે. ભગવાન રામ પ્રત્યેની આસ્થા લોકોમાં અવારનવાર જોવા પણ મળતી રહે છે. ત્યારે ભગવાન રામના મૂલ્યો અને સિદ્ધાંતોથી લઈને રામ મંદિર માટેના સંઘર્ષો જાણવા પણ ખૂબ જરૂરી છે. આ હેતુથી સુરતની વીર નર્મદ સાઉથ ગૂજરાત યૂનિવર્સિટી (VNSGU) એક નવો કોર્સ શરૂ કરવા જઈ રહી છે. યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સમાં ભગવાન રામનું જીવન વૃતાંત, તેમના ઉદ્દશયો, મૂલ્યોથી લઈને રામ જન્મભૂમિ સંઘર્ષ અને પ્રાણપ્રતિષ્ઠા સુધીની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
24 જાન્યુઆરીના રોજ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં એકેડમિક કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાને મંજૂરી મળી છે. આ કોર્સમાં ભગવાન રામના જીવન વૃતાંત વિશે સરળતાથી અભ્યાસ કરાવવામાં આવશે. ભગવાન રામના જન્મ પહેલાંનો ઇતિહાસ તથા ભગવાન રામની સંપૂર્ણ જીવન ગાથા વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત આ કોર્સમાં રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણપ્રતિષ્ઠા સુધીના સંઘર્ષનો પણ સમાવેશ કરવામાં આવશે.
30 કલાકનો રહેશે કોર્સ
VNSGUના કુલપતિ ડૉ. કિશોર ચાવડા અનુસાર, રામ જન્મભૂમિ ઇતિહાસના નામનો આ સર્ટિફિકેટ કોર્સ 30 કલાક માટે કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આ કોર્સ કરનારની ઉંમર 12 વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે. સાથે કુલપતિએ આ કોર્સની ફી વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રામ જન્મભૂમિ ઇતિહાસ નામના આ કોર્સની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ અન્ય ભાષા જેમ કે, રશિયન, ફ્રેંચ, સ્પેનિશ અને જર્મનમાં જો આ કોર્સ કરવો હશે તો તેની ફી 10,000 રહેશે. કુલપતિએ જણાવ્યું કે, વધુમાં વધુ લોકો ભગવાન શ્રીરામ અને રામ જન્મભૂમિ વિશે જાણતા થાય એ હેતુથી આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન રામચંદ્રજીની 10,000 વર્ષ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, પ્રભુ શ્રીરામના જન્મથી લઈને મંદિરની સ્થાપના સુધી, તથા તે મંદિરને ધ્વસ્ત કરીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવી અને ત્યારબાદ ફરી એકવાર મંદિર બનાવવાના સંપૂર્ણ ઇતિહાસ વિશેની માહિતી આ કોર્સમાં આપવામાં આવી છે. નોંધનીય છે કે, વીર નર્મદ યુનિવર્સિટીમાં આ પહેલાં શ્રીમદ ભગવદ ગીતા વિશેનો અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો હતો. સાથે હિંદુ ધર્મ વિશેના અન્ય કોર્સ પણ આવ્યા હતા.