મુંબઈ હુમલાખોરોને તાલીમ આપનાર હાફિઝ સઈદના ખાસ હાફિઝ અબ્દુલ સલામનું મોત થયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે 10 મહિના બાદ તેના મોતની પુષ્ટિ કરી છે.
- ભારતનો વધુ એક દુશ્મન માર્યો ગયો
- હાફિઝ સઈદનો ડેપ્યુટી હાફિઝ અબ્દુલ સલામ ભૂટ્ટાવીના મોતની પુષ્ટિ
- 29 મે 2023ના રોજ મોત થયું હતું પરંતુ હવે પુષ્ટિ
- મુંબઈ હુમલાખોરોને તાલીમ આપી હતી
ભારતનો વધુ એક દુશ્મન માર્યો ગયો છે. 26/11ના મુંબઈ હુમલા દરમિયાન આતંકીઓને ટ્રેનિંગ આપનાર લશ્કર-એ-તૌયબાના સંસ્થાપક સભ્ય હાફિઝ અબ્દુલ સલામ ભૂટ્ટાવીના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ હવે તેના મોતની પુષ્ટિ કરી દીધી છે. ભુટ્ટાવી હાફિઝ સઈદનો ખાસ અને તેનો ડેપ્યુટી હતો.
29 મે 2023ના રોજ મોત થયું હતું પરંતુ હવે પુષ્ટિ
આતંકી હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું મોત 29 મે 2023ના રોજ થયું હતું, પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ હવે પોતાની વેબસાઇટ પર તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતા ત્યારે તેમનું મોત નીપજ્યું હતું.
કોણ હતો ભૂટ્ટાવી
પાકિસ્તાનના મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયની સ્થાપના કરનાર ભૂટ્ટાવી પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા (જેયુડી)ના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો ડેપ્યુટી હતો. જમાતના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે, 77 વર્ષીય ભૂટ્ટાવીને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં ઓક્ટોબર 2019થી લાહોરથી લગભગ 60 કિમી દૂર જિલ્લા જેલ શેખુપુરામાં કેદ કરવામાં આવ્યો હતો. 29 મેના રોજ તેને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
મુંબઈ હુમલાખોરોને તાલીમ આપી હતી
યુએનએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ભુટ્ટાવીએ ભારતમાં નવેમ્બર 2008માં મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓને તાલીમ આપી હતી. મુંબઈ હુમલામાં 150થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.