દેશમાં આગામી લોકસભા ચુંટણીની તૈયારીઓ વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટીના વિજયરથને રોકવા એકજુટ થઈને કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળ I.N.D.I. ગઠબંધનની રચના કરી હતી, પરંતુ હવે આ ગઠબંધન લાંબુ ટકે એમ લાગતું નથી. સમાચાર મળી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં TMC બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી પણ ગઠબંધનને છોડી એકલા હાથે ચુંટણી લડવાની છે. પંજાબના CM ભગવંત માને જણાવ્યું છે કે, AAP પાર્ટી પંજાબની 13 સીટો પર સ્વતંત્ર ચુંટણી લડશે. પંજાબમાં કોંગ્રેસ સાથે અમારે કોઈ સંબંધ નથી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી, TMC (તૃણમૂલ કોંગ્રેસ) I.N.D.I. ગઠબંધનના સભ્યો છે.
પંજાબના CM અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે, પંજાબમાં AAP પાર્ટી 13 સીટો પર એકલા હાથે ચુંટણી લડશે, આ 13 સીટો માટે 40 જેટલા ઉમેદવારોના નામો પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, “પંજાબમાં અમે કોઈ ગઠબંધન કર્યું નથી. પંજાબમાં કોંગ્રેસ સાથે અમારે કોઈ સંબંધ નથી.”