દેશમાં અલગ- અલગ કામ માટે તમામ પ્રકારના દસ્તાવેજ બનાવવામાં આવે છે. તેમાથી સૌથી વધારે આઈડી પ્રૂફ તરીકે પણ કામ આવે છે. જેમાથી આધાર કાર્ડ પણ એવું એક દસ્તાવેજ છે. આધાર કાર્ડનો ઉપયોગ કરોડો લોકો કરી રહ્યા છે, જેમા બેંકમાં ખાતુ ખોલાવવાથી લઈને સિમ કાર્ડ લેવા સુધી દરેક બાબતે આધારકાર્ડની જરુર પડે છે. પરંતુ લોકોના આધાર કાર્ડમાં મોટાભાગે ઘણી ભૂલો હોય છે, જેને પછીથી બરોબર કરાવવામાં આવે છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારને લઈને એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં આધાર અપડેટ કર્યા બાદ હવે તમારે નવું ફોર્મ ભરવાનું રહેશે.
ઓનલાઈન કરેક્શન કરાવવું થશે સરળ
આધાર કાર્ડને લઈને સામે આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, હવે આધારમાં કરેક્શન વધુ સરળ થઈ જશે. હવે કેટલાક કરેક્શન ઓનલાઈન કરી શકાશે, જેને પહેલા સેન્ટર પર જઈને કરાવવા પડતા હતા તે હવે ઓનલાઈન કરી શકશો. એટલે કે હવે દરેક કામ માટે આધાર સેન્ટર પર જવાની જરુર નહી રહે.
18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ફોર્મ 1 ભરી શકે છે
નવા આધાર કાર્ડ બનાવવા અને આધારમાં અપડેટ માટે જુના ફોર્મની જગ્યાએ નવુ ફોર્મ ભરવું પડશે. આ નવા ફોર્મમાં તમને કેટલાક વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ફોર્મ 1 ભરી શકે છે. જેમાં અલગ- અલગ કેટેગરી જોવા મળશે, તમારે જે બાબતે કરેક્શન કરાવવાનું હોય અથવા અપડેટ કરાવવાનું હોય તે કરી શકો છો.
NRI ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું
વિદેશમાં રહેતા ભારતીયો એટલે કે NRI લોકો માટે પણ ફોર્મ-2 અને ફોર્મ-3 બહાર પાડવામાં આવ્યું છે. ફોર્મ-2 હેઠળ એ લોકોનો સમાવેશ કરવામાં આવશે જે લોકો પાસે ભારતની બહાર એડ્રેસનું પ્રમાણપત્ર છે. ભારતીય એડ્રેસ ધરાવતા લોકો ફોર્મ-3નો ઉપયોગ કરી શકે છે. એજ પ્રમાણે અલગ-અલગ કેટેગરી માટે અલગ-અલગ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.