રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે અને કડકડતી ઠંડી પડશે. હવામાન ખાતા મુજબ ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે.
ક્યા કેટલું તાપમાન નોંધાયું
રવિવારની વાત કરવામાં આવે તો ૧૨ શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો અને ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. તો કેશોદમાં 12.5, રાજકોટમાં 12.7, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પોરબંદરમાં 13.5, વડોદરામાં 13.6 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 14.2 ડિગ્રી, ભૂજમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દેશના ઉત્તરીય વિસ્તારોમાં કડકડતી ઠંડી
દેશના ઉત્તરીય વિસ્તારોમાં કડકડતી ઠંડી યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે. તે જ સમયે, ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી છે, જેની અસર ટ્રાફિક પર દેખાઈ રહી છે.
2-3 દિવસમાં ધુમ્મસની તીવ્રતામાં ઘટાડો થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં ધુમ્મસની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે, જેનાથી થોડી રાહત મળશે. તે જ સમયે, ઠંડા મોજાની સ્થિતિ થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. સવારે અને સાંજે બહાર જનારાઓને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.