કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરી રહ્યા છે. પૂર્વમાં મણિપુરથી શરૂ થયેલી તેમની આ યાત્રા પશ્ચિમે મહારાષ્ટ્રમાં પૂર્ણ થવાની છે. દરમિયાન તેમની યાત્રા હજુ માંડ આસામ પાર કરી શકી છે તેવામાં હવે પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પરવાનગીઓ ન મળી રહી હોવાનું સામે આવી રહ્યું છે. સિલીગુડીમાં તેમને જાહેર સભા માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આ મામલે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ પણ બળાપો ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ મમતા બેનર્જીએ ગઠબંધન નકારીને એકલા જ ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી. તે સમયે પણ તેમણે રાહુલ ગાંધીની યાત્રાને લઈને કહ્યું હતું કે, “રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની કોઇ જાણ કરવામાં આવી નથી.” તેવામાં હવે સિલીગુડી ખાતે યાત્રાની જાહેર સભાને પરવાનગી ન આપવામાં આવતાં કોંગ્રેસ પાર્ટી વધુ મૂંઝવણમાં મૂકાઈ છે.”