કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. આ વખતે વિજાપુરના 65 વર્ષના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. દહેગામ પેટાચૂંટણી, ગાંધીનગર બેઠક અને પછી વિજાપુરથી વિજેતા બનેલા ડૉ. સીજે ચાવડા કોંગ્રેસના વિચારશીલ અને શક્તિશાળી નેતા માનવામાં આવતા હતા. સીજે ચાવડા રાજીનામું આપતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ઘણાં નેતાઓને પણ આંચકો લાગ્યો છે. આવામાં હવે તેમનું રાજીનામું આપવાનું કારણ પાર્ટીની આંતરિક ગડમથલ જવાબદાર છે કે પછી પાર્ટીમાં પડેલા ફાંટાનો સવાલ જે વારંવાર ઉઠે છે તે છે? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સીજે ચાવડા સતત વિધાનસભા ચૂંટણી જીતતા હતા જેના કારણે તેમનું પાર્ટીમાં ઘણું વર્ચસ્વ હતું પરંતુ તેમણે અચાનક કોઈ અટકળો વગર રાજીનામું ધરી દેતા તેની પાછળનું કારણ જાણવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉત્સુક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સીજે ચાવડાએ આપેલા રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અલવિદા કહેનારા સીજે ચાવડાને ભાજપમાં મોટી ભૂમિકા મળવા અંગેની અટકળો પણ શરુ થઈ ગઈ છે. આ સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન પેટાચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
કોણ છે જે સીજે ચાવડા?
વર્ષ 1958માં 29મી માર્ચના રોજ જનમેલા સીજે ચાવડા ગુજરાતના રાજકારણમાં મોટું નામ ધરાવે છે, તેમણે લોકસભાની ચૂંટણીમાં અમિત શાહને ટક્કર આપવા માટે 2019માં ગાંધીનગરની બેઠક પરથી મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તેમને અહીં કારમી હાર મળી હતી. ગાંધીનગરમાં સીજે ચાવડાનો કોંગ્રેસમાં દબદબો વધ્યા બાદ હવે તેમનું કદ મોટું થતાં ઉત્તર ગુજરાતમાં પણ તેમને મહત્વના નેતા માનવામાં આવતા હતા. તેમણે વિજાપુરના બેઠક પરથી કોંગ્રેસના ખરાબ પ્રદર્શન છતાં ભાજપના રામભાઈ પટેલને હરાવીને વિજય મેળવ્યો હતો.