આજે ૭૫માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ સોનગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લાથી વિવિધ શાળાનું પ્રતિનિધિત્વ કરી શાળા કોલેજના બાળકો દ્વારા ભવ્ય રંગારંગ કાર્યક્રમ રજુ કરાયો હતો.
આ પ્રસંગે ૭૫માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે, એક તરફ પુરાતન સાંસ્કૃતિની વિરાસત અને બીજી તરફ આધુનિકતાની વિકાસગાથા સાથે તાપી જિલ્લો વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યો છે. આજે રૂા.૯૭૦.૯૮ લાખના ખર્ચે ૩૩૪ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત આજે કરાયું છે. જે તાપી જિલ્લાના સમતોલ વિકાસનું માધ્યમ બનશે.તેમણે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને ‘વન સેતુ ચેતના યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી-કર્મચારીઓની સક્રિય ટીમ દ્વારા ઉમદા રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ સાંકૃતિક કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કુલ, ઉખલદા, નુતન વિદ્યા મંદિર, સોનગઢ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ, સાર્વજનિક હાઈસ્કુલ, સોનગઢ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા, જ્ઞાનદીપ વિદ્યાલય ધજાંબા, સરકારી વિજ્ઞાન કોલેજ, સોનગઢના વિદ્યાર્થીઓએ ઉજવણીને પોતાની કલાકૃતિઓ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સાથે તાપી જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સોનગઢ કિલ્લા પર પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે ૩ કરોડ ૮૨ લાખના ખર્ચે પ્રવાસન કેન્દ્ર વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે એમ જણાવ્યું હતું. જિલ્લાની જાહેર જનતાની સુવિધામાં વધારો કરવા તાજેતરમાં સોનગઢ ખાતે રૂપિયા ૩૭૪.૦૯ લાખના ખર્ચે નવિન એસ.ટી. બસ સ્ટેશન તથા ૫૧ નવિન બસોનું લોકાર્પણ કરાયું છે. તાપી જિલ્લાનાં ખેડૂતની જીવાદોરી ગણાતી વ્યારા સુગર ફેક્ટરીની શરૂઆતને સરકારશ્રીનો સંવેદનશીલ નિર્ણય ગણાવ્યો હતો.
શ્રી ગર્ગે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લો પણ કૃષિ પ્રધાન જિલ્લો છે. તાપી જિલ્લાના ૧૮૬૩૩ જેટલા ખેડુતો 9485 હેકટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતી પ્રધાન જિલ્લા તરીકે સમગ્ર જગત માટે પોષ્ટીક અને ઝેરમુક્ત અનાજ ઉગાડવું આપણી ફરજ છે એમ કહી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.અંતે તેમણે આઝાદી અને પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવી આ વર્ષે 2024ની પ્રજાસત્તાક દિનની થીમ “ઇન્ડિયા ધ મધર ઓફ ડેમોક્રસી” છે. 2047 સુધી દેશને વિકસિત બનાવવાની નેમ છે એમ કહી ભારત દેશે આપણા માટે ઘણુ કર્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવીએ એમ જાહેર અપીલ કરી હતી. તેમણે ‘સ્વચ્છતા પ્રેમી’ એવા તાપી જિલ્લાના રહીશોને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા તથા તાપી જિલ્લો વિકાસના તમામ ક્ષેત્રે અગ્રેસર રહી સમૃધ્ધ બને તે માટે આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓમાં પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવા જાહેર અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે કુલ-38 નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.