અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીએ સુરતમાં રાજકારણીઓના મતભેદ દૂર કરી દીધા હતા. તમામ મુદ્દે એક બીજા સામે બાંયો ચઢાવતા રાજકારણીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. સુરતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરી ઉજવણી કરતા લોકોને પણ સુખદ આશ્ચર્ય થયું હતું.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે સુરત સહિત સમગ્ર દેશના લોકો રામ મય બની ગયા છે. અત્યાર સુધી આવા મુદ્દાઓમાં લોકોને એક થઈ ઉજવણી કરતા જોયા હતા પરંતુ પહેલી વાર સુરતમાં એવું બન્યું છે કે કોઈ એક મુદ્દે તમામ રાજકીય પક્ષો એક હોય અને કોઈ પણ તેનો વિરોધ કરતું ન હોય. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે યોજાયેલા અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
ઉધના ખાતેના એક મંદિરમાં સફાઈ અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. આ ઉપરાંત સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ સહિત અનેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં રામ મંદિર અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અદ્યક્ષ રાજન પટેલ સહિત અનેક કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા.