વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક પછી એક ઉદ્યોગપતિઓ રોકાણની મોટી-મોટી જાહેરાતો કરી રહ્યા છે. એવામાં દેશના જાણીતા બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)એ પણ આ સમિટમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આર્સેલર મિત્તલ (Arcelor Mittal) હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સાઈટનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, તે વર્ષ 2029 સુધીમાં તૈયાર થઈ જશે.
2.4 કરોડ ટન હશે વાર્ષિક કેપેસિટી
10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે, આ સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 24 મિલિયન ટનની હશે. તેમણે જણાવ્યું કે, આર્સેલર મિત્તલે આ સમિટમાં હજીરા પ્લાન્ટના બીજા તબક્કા માટે ગુજરાત સરકાર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.
પીએમ મોદીએ કર્યું હતું ભૂમિપૂજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં પ્લાન્ટના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્લાન્ટનું નિર્માણ હજુ ચાલી રહ્યું છે અને તે વર્ષ 2026માં પૂર્ણ થશે. લક્ષ્મી મિત્તલે કહ્યું કે, ‘હું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઈબ્રન્ટ ગુજરાત માટે અહીં આવ્યો હતો. ત્યારે પીએમ મોદીએ અમને જણાવ્યું હતું કે કેવી રીતે આ મેગા-ગ્લોબલ ઈવેન્ટે વિચારો, કલ્પના અને પ્રક્રિયાની સાતત્ય (Ideas, Imagination and Process Continuity)ના આધારે સંસ્થાકીય માળખું તૈયાર કર્યું છે. પીએમએ ત્યારે કહ્યું હતું કે વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચરની થીમ સાથે ભારતનું ગૌરવ વધશે.
12 જાન્યુઆરી સુધી ચાલશે સમિટ
આજે બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ઉદ્ઘાટન દિવસ છે. ગાંધીનગરમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ સમિટમાં પીએમ મોદી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના મોટા ઉદ્યોગપતિઓ હાજર છે. સમિટના પહેલા જ દિવસે ઘણા બિઝનેસ ગ્રુપ્સે મોટા રોકાણની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે. સુઝુકી મોટર્સે પણ ગુજરાતમાં રૂ.38,200 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે.