કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. કાયદામાં તાજેતરમાં કરાયેલા સુધારાનો દેશભરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. આ દરમિયાન આજે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ ટ્રક ડ્રાઇવર્સે હડતાલ ખતમ કરવાનો ફેંસલો કર્યો છે.
સરકાર સાથે મંત્રણા બાદ હડતાલ સમાપ્ત થઈ, હાલમાં કાયદો લાગુ કરવામાં આવશે નહીં
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે કહ્યું કે નવો કાયદો હજુ અમલમાં આવ્યો નથી. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106/2 લાગુ કરતા પહેલા અમે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના લોકો સાથે વાત કરીશું, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.