આગામી લોકસભા ચૂંટણીઓને હવે વધુ દૂર નથી, તેવામાં ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ઈલેકશન મોડમાં આવી ગઈ હોય તેમ લાગે છે. ગુજરાત ભાજપ પણ તેમાંથી બાકાત નથી લાગી રહ્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે છે. જોકે બન્નેના કાર્યક્રમોની રૂપરેખા અલગ-અલગ છે. જેપી નડ્ડા દ્વારા ગુજરાતની 26 લોકસભા સીટોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ અને JP નડ્ડા બે અલગ અલગ કાર્યક્રમમાં હાજર હતા.
મળતી માહિતી અનુસાર આગમી માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણીઓ જાહેર થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ ભાજપ પણ ઈલેકશન મોડમાં આવી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ગુજરાતની 26 લોકસભા સીટોના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ થલતેજ ખાતે યોજાયો હતો. વર્ચ્યુઅલ રીતે કરવામાં આવેલા આ ઉદ્ઘાટનમાં ભાજપના અનેક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધ્યા પણ હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી વિશ્વના લાડીલા નેતા તો છે જ, તેઓ દેશના નેતા તો છે જ, પણ સહુથી મોટી વાત તે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેમના નેતૃત્વમાં જયારે આપણે 2024ની ચૂંટણીઓ તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું કહેવા માંગીશ કે ગુજરાતના કાર્યકર્તાઓને ગર્વ થવો જોઈએ કે, કારણકે ગુજરાતમાં ભાજપના સંગઠનના મંત્ર-તંત્રને વિકસિત કરવામાં ગુજરાતની અગત્યની ભૂમિકા છે.”