- બાલિકા પદાધિકારીશ્રીઓના હસ્તે વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો,તથા વિવિધ લાભો અર્પણ કરાયાં
- રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી, તાપી દ્વારા "બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કલેકટર સભાખંડ ખાતે 'રાષ્ટ્રીય બાલિકા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાની તેજસ્વિની પંચાયતના કાર્યક્રમમાં જન્મ અને શિક્ષણ,આરોગ્ય અને પોષણ, સામાજિક દુષણો, જાતિસમાનતા તથા અધિકાર અને મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં પ૦% મહિલા અનામાત વિશે બાલિકા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાલિકા પદાધિકારીશ્રીઓના હસ્તે વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો,તથા દીકરીના નામની નેમ પ્લેટ સહિતના લાભો અર્પણ કરાયાં હતાં. તેમજ દીકરીઓને સમાજમાં સમાન દરજ્જો મળે, શ્રેષ્ઠ શિક્ષણ તેમજ સલામતી મળે અને દીકરીઓ આત્મનિર્ભર બને તે અંગે "બેટી બચાવો બેટી પઢાઓ”ના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મધુબેન તથા જિલ્લા કલેકટર ડો. વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પધાધિકારીઓ,મહિલા અને બાળ અધિકારી મનીષા મુલતાની વિશેષ ઉપસ્થિત રહી સામાન્ય સભાની ચર્ચામાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય બાલિકા દિવસની તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સમગ્ર સંચાલન તાપી જિલ્લાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી બાલિકા રાણા મિષ્ઠી રાજેશભાઇ તરીકે, અધ્યક્ષ – કારોબારી સભા બાલિકા ધ્યાનીકુમારી એસ. ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બાલિકા ગામીત રોઝીકુમારી રાજેશભાષ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ બાલિકા પટેલ કિંજલબેન રમેશભાઇ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ બાલિકા ગામીત અર્પિતાકુમારી અલ્પેશભાઇ, જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ બાલિકા સાયનાબેન વસાવા, ખેત, ઉત્પાદન, અને સહકાર, સંચાઇ સમિતિ અધ્યક્ષ બાલિકા ગામીત લક્ષ્મીકુમારી અશોકભાઇ, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ અધ્યક્ષ બાલિકા વસાવા અર્ચના રાજુભાઇ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બાલિકા ભાવાણી પ્રગતિ ભરતભાઇ, ળપતી અને ભુમિહીન ખેત મજુર આવાસ બાંધકામ સમિતિ અધ્યક્ષ બાલિકા શેખ આલિયા યુનુસભાઇ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચામાં સહભાગી થયા હતા.
આ પ્રંસગે વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગે તમામ ઉપસ્થિત દિકરીઓને પોતાના હકો અને અધિકારો અંગે જાગૃત બનવા સહિત સમગ્ર જિલ્લાને વિકાસના પંથે આગળ ધપાવવા પોતાનુ સક્રિય યોગદાન આપવા પોતાના પરિવાર સહિત આજુબાજુ રહેતી તમામ દિકરીના આરોગ્યની દરકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને હિમોગ્લોબિન તથા સીકલસેલ ટેસ્ટ કરાવવા અને અન્ય નાગરીકોને પણ જાગૃત કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે તમામ દિકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે તમને અહિયા સામન્ય સભા યોજવાનો જે અવસર મળ્યો છે એ ખરેખર તમારા માટે ગૌરવની વાત છે. દીકરીઓ આજે સમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને જેના માટે સરકાર આવા અવરનવાર કાર્યક્રમો કરી રહી છે. આ ઉપરાંત જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે તાજી જન્મેલી દીકરીઓને જિલ્લા અને તાલુકા પંચાયતાના સભ્યોશ્રી તથા મહિલા અને બાળ અધિકારી મનીષા મુલતાની, આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, કે.કે.કદમ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી સંગીતા ચૌધરી, મહિલા અને બાળ સમિતીના અધ્યક્ષશ્રી,જનરલ હોસ્પિટલના અધિકારીશ્રીઓના હસ્તે દીકરી વધામણાં કીટ વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી- ઉપપ્રમુખશ્રીઓ,વિવિધ સમિતિના સભ્યશ્રીઓ આજે દિન વિશેષ તરિકે હાજર રહેલી દિકરીઓ, કિશોરીઓ, તથા મહિલા અને બાળ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.