વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા (Ram Mandir Pran Prathistha) પૂર્ણ કરી પરત ફર્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવામાં આવશે.
એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવાશે
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી વિશ્વના તમામ ભક્તજનો ઉર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરે મારો સંકલ્પ વધુ દ્રઢ બન્યો છે કે, ભારતીયોના ઘરો પર તેમનું પોતાનું સોલાર રૂપ ટોપ સિસ્ટમ હોય.
વીજ બિલ ઘટશે
તેમણે વધુમાં લખ્યું કે, અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પ્રથમ નિર્ણય કર્યો છે કે, અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’નો પ્રારંભ કરશે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગનું વીજ બિલ ઘટવાની સાથે ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.