ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે એલસીબી ટુ પોલીસ દ્વારા ભાટ ઇન્દિરા બ્રિજ પાસે કારમાં અમદાવાદ લઈ જવા તો વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને સરદાર નગરના બુટલેગર ને પકડી ૫.૪૫ લાખનો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામા આવી રહ્યો છે ત્યારે પોલીસ આ દારૃના જથ્થાને પકડવા માટે દોડી રહી છે બાદમીદારોને સક્રિય કરીને દારૃ ભરેલા વાહનો પકડવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર એલસીબી - ૨ ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.એ દરમ્યાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કારમાં વિદેશી દારૃ ભરીને ગાંધીનગરથી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે ભાટ કોટેશ્વર ચોકડીથી આગળ ઇન્દીરા બ્રીજ નજીક રોડ ઉપર આડશો કરી વાચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની કારને ઈશારો કરીને રોકી દેવામાં આવી હતી.
જેમાં ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે પોતાનું નામ ઇન્દર મોહનદાસ રામસિંગાનીયા રહે. ૫૮૮, જવાહર કોલોની, સરદારનગર, અમદાવાદ હોવાનું જણાવ્યું હતું.બાદમાં પોલીસે કારની તલાશી લેતાં પાછળની ડેકીમાં વિદેશીદારૃની ૭ પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા વિદેશી દારૃની ૨૪૦ બોટલો હોવાનુ સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે ૪૦ હજારની કિંમતનો દારૃ, પાંચ લાખની કાર, ૫ હજારનો મોબાઇલ ફોન મળીને કુલ રૃ. ૫.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બુટલેગરની ધરપકડ કરી અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.