- આદિવાસી દિકરીઓ સાથે દૂરવ્યવહાર કરતા હોવાની રાવ
- નિવૃત્તિ બાદ પણ કન્યા છાત્રાલયમાં ગૃહમાતાનો અડિંગો
વ્યારા તાલુકાના ઘાટા ગામે શ્રી નવચેતન યુવક મંડળ સંચાલિત શ્રી એલ.એચ.ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ ચાલે છે. જેના કમ્પાઉન્ડમાં શ્રી ગિરિજન સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિરિજન કન્યા છાત્રાલય ચાલે છે. આ છાત્રાલયમાં ૧૧૫ જેટલી આદિવાસી દીકરીઓ રહે છે. જોકે, અહીં ફરજ બજાવતી ગૃહમાતા કંકુબેન એસ.ગામીત તા.૩૦ મી જૂન ૨૦૨૩ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થઈ ગઈ છે. પરંતુ આજદિન સુધી છાત્રાલયમાં જ રહે છે. અને મકાન પણ ખાલી કરતા નથી. તથા પોતાનું જ ધાર્યું કરતા હોવાથી ટ્રસ્ટના પ્રમુખ કુમુદબેન ગામીત સહિત ટ્રસ્ટીઓ દ્વારા કલેકટર સહિત આશ્રમશાળા કમિશનરની કચરીમાં લેખિત આવેદનપત્ર આપ્યું છે. જેમાં રજુઆત કરી છે કે, નિવૃત્ત થયા બાદ વારંવાર આપેલી નોટિસને નહીં ગણકારી કંકુબેન મકાન ખાલી કરતા નથી. તથા મંડળ અને ટ્રસ્ટના પ્રતિનિધિઓને પણ છાત્રાલયમાં આવવા દેતા નથી. દીકરીઓ માટેનું અનાજ પણ મુકવા દેતા નથી. જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવતા નથી. જેઓના કારણે દીકરીઓને પૂરતું ભોજન મળતું નથી.
ટ્રસ્ટમાંથી રાજીનામું આપનાર પૂર્વ ટ્રસ્ટીઓ સુરેશભાઈ બી.ગામીત અને નિર્મળાબેન એન.ગામીતને સાથે રાખી આશ્રમશાળાની દીકરીઓને પણ ધમકાવવામાં આવે છે. અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. ગંભીર પ્રકારના ગેરવહીવટને કારણે સંસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે. જેથી વિભાગીય વડાને જરૂરી સૂચના આપી આ પ્રશ્ને નિવારણની માંગ કરવામાં આવી છે. સંસ્થાના મંત્રી ઉમેશ ગામીતના જણાવ્યા મુજબ નિવૃત ગૃહમાતા ખોટી અરજીઓ કરી તંત્રને પણ ગેરમાર્ગે દોરે છે. જેનાથી સંસ્થાને પણ નુકશાન થઈ રહ્યું છે.