વડોદરાના હરણી તળાવ ખાતે શાળાના બાળકોને પ્રવાસમાં લાવવામાં આવ્યા ત્યારે બોટિંગ દરમિયાન બોટ પલટી જતા 12 બાળકો, એક મહિલા શિક્ષક અને એક મહિલા સુપરવાઇઝર સહિત 14 ના મૃત્યુ થવાના બનાવ બાદ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ સક્રિય બની છે. શિક્ષણ સમિતિ ધોરણ છ થી આઠ ના બાળકોને અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવાનું વિચારી રહી છે.
સમિતિના કહેવા અનુસાર શિક્ષકો જ્યારે બાળકોને શૈક્ષણિક હેતુસર પ્રવાસે લઈ જાય છે ત્યારે આ પ્રકારની સ્વિમિંગની તાલીમ લીધી હોય તો સારુ રહે. કોર્પોરેશન હસ્તકના જે સ્વિમિંગ પુલો આવેલા છે ત્યાં આ તાલીમ આપી શકાય તેમ છે. કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ બાળકો અને શિક્ષકોને ક્યારે અને કેવી રીતે તેમજ કેટલા સમય માટે તાલીમ આપવી તે અંગે વિચાર કરવામાં આવશે. સ્વિમિંગ પૂલમાં સક્રિય સભ્યો ઉપરાંત શહેરીજનો પણ સ્વિમિંગ કરવા આવતા હોય છે, અને તેની જુદી જુદી બેચ નક્કી થયેલી હોય છે, માટે શિક્ષકો અને બાળકોને સ્વિમિંગ માટે કઈ રીતે સમય ફાળવાય છે તે અંગે પણ વિચારવું પડશે અને તેના આધારે સ્વિમિંગની તાલીમનો નિર્ણય લેવાશે.