નવા વર્ષના પહેલા જ દિવસમાં મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. રાજ્યના થોંબલ જિલ્લામાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાં છે.
- મણિપુરમાં ફરી ભડકી હિંસા
- થોંબલ જિલ્લામાં ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ
- ચારથી વધુ લોકોના મોત, ઘણા ઘાયલ
મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે હિંસાની હોળી સળગી છે. છેલ્લા થોડા સમયથી ઠારે પડેલી હિંસા ફરી ભડકી છે. હિંસા દરમિયાન ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ છે. દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે મણિપુરમાં એક લોહિયાળ રમત ચાલી રહી હતી. મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભારે હિંસા દરમિયાન ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ છે. રાજ્યના પાંચ ખીણ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોનું એક જૂથ ગેરવસૂલીમાં સામેલ છે અને તેઓએ ઓટોમેટિક ગનથી ગોળીબાર કર્યો હતો. મુખ્યમંત્રી એન.બિરેન સિંહે એક વીડિયો સંદેશ જારી કરીને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
પાંચ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુરમાં નવા વર્ષના પહેલા દિવસે થયેલી હિંસા બાદ રાજ્યના પાંચ જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા બાદ થોઉબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરીથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ હિંસાને વખોડી
હિંસા બાદ મુખ્યમંત્રી એન.બિરેન સિંહે એક વીડિયો સંદેશ જારી કરીને હિંસાની નિંદા કરી હતી અને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં કહ્યું, "હું નિર્દોષ લોકોની હત્યા પર ઊંડું દુઃખ વ્યક્ત કરું છું. ગુનેગારોને પકડવા માટે અમે પોલીસ ટીમો તૈનાત કરી છે. હાથ જોડીને, હું લિલોંગના રહેવાસીઓને (જ્યાં આ ઘટના બની હતી) અપીલ કરું છું કે તેઓ સરકારને ગુનેગારોને પકડવામાં મદદ કરે. હું વચન આપું છું કે સરકાર કાયદા હેઠળ ન્યાય અપાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે, એમ તેમણે કહ્યું હતું.
મે 2023થી ચાલી રહી છે અવિરત હિંસા
મણિપુર લગભગ એક વર્ષથી ચર્ચામાં છે. 2023ની 3 મેના રોજ રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. મીતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા આજે પણ ચાલુ છે. આ હિંસામાં લગભગ 200 લોકોએ જીવ ગુમાવ્યો છે. હજારો લોકો બેઘર થઈ ગયા છે.