22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ 23 જાન્યુઆરીથી મંદિરના કપાટ રામભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે અડધી રાતથી જ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વધુ માત્રામાં શ્રદ્ધાળુઓ આવી પડતાં વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, રામ મંદિર અયોધ્યામાં પહેલા દિવસે જ 5 લાખથી વધુ રામભક્તોએ પ્રભુ શ્રીરામલલાના દર્શન કર્યા છે. જ્યારે હવે એક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પરિવર્તન બાદ દર વર્ષે લગભગ 5 કરોડ ભક્તો અયોધ્યા આવશે તેવી સંભાવના છે.
23 જાન્યુઆરીથી રામ મંદિર અયોધ્યાના કપાટ રામભક્તો માટે ખૂલી ગયા છે. પ્રથમ દિવસે જ અંદાજિત 5 લાખથી વધુ રામભક્તોએ રામલલાના દર્શન કરી લીધા છે. અયોધ્યાનો વિકાસ અને આવનારા ભવિષ્ય વિશે અમેરિકી ફર્મ જેફરીઝે એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણપ્રતિષ્ઠા બાદ દર વર્ષે લગભગ 5 કરોડ ભક્તો અયોધ્યા આવશે એવી સંભાવના છે. જ્યારે મક્કામાં વર્ષે 2 કરોડ અને વેટિકન સિટીમાં દર વર્ષે 90 લાખ લોકો જાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત એક નવું પ્રવાસન હોટસ્પોટ મેળવવા જઈ રહ્યું છે.