વ્યારા તાલુકાના વડકુઇ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ રાજ્યના વન અને પર્યાવરણ, મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તેમના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રીએ વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત કાર્ડ થકી નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. એમ જણાવી વડકુઇ ગામમાં 95 ટકા લોકોના આયુષ્મા ભારત કાર્ડ બની ગયા છે બાકી રહેલા નાગરિકોને આજની યાત્રામાં આ કાર્ડ બનાવી લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે પ્રધાનમંત્રી અન્ન કલ્યાણ યોજના અંતર્ગત દેશની 80 કરોડ જનતાને 2028 સુધી નિ:શુલ્ક અનાજનો લાભ આપવાના છે એમ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ગ્રામજનોને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પ્લાસ્ટીકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વહિવટી તંત્ર દ્વારા પહેલી વાર સુચના અપાશે, બીજી વાર દંડ થશે અને ત્રીજીવાર દુકાન બંધ થશે એમ રમુજી પરંતુ મહત્વપુર્ણ સુચના ગામના દુકાનદારોને આપી હતી.
આ પ્રસંગે પ્રાથમિક શાળા વડકૂઈની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા મનમોહક સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. તથા સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ થીમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને રાસાયણિયક ખાતરનો ઉપયોગ ટાળવા સંદેશ પાઠવ્યો હતો.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ,પ્રયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા,વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.